પાર્થ અને નિતેશ સાથે જોડાવવા ૨૫૦ કરતાં વધારે અરજીઓ આવેલી. તેમાંથી મુંબઈની આર્ટ ડિરેક્ટર તેહરીન શેખ અને કોલકાતાની મોડેલ-એક્ટ્રેસ ડેબી દત્તાને સફરના સાથીદાર તરીકે પસંદ કરાયા છે.
અમદાવાદ, વડોદરા જેવાં શહેરોમાં રોજ ઘરથી ઓફિસ અને ઓફિસથી ઘરે બાઇક પર અપડાઉન કરતા લાખો યુવાનો જાણે છે કે રસ્તામાં આવતાં સિગ્નલો અને ટ્રાફિકને અવરોધવાં કેટલું મુશ્કેલ બનતું હોય છે. ઘર અને ઓફિસની વચ્ચે આવતાં ચાર, પાંચ સિગ્નલોને પાર કરી લે ત્યાં સુધીમાં તો ઘણી વખત એવો વિચાર આવી જતો હોય છે કે બાઇક રસ્તા પર છોડીને ચાલીને જતા રહીએ. પણ અમદાવાદના જ એક ગુજ્જુ યુવાન સહિત ૪ યુવા-યુવતીઓ બાઇક પર મુંબઈથી લંડનની ૧૬,૦૦૦ કિમી. ની યાત્રા બાયરોડ પૂરી કરશે. ૮ કિમી.ના અંતરમાં આવતાં ૫ ટ્રાફિક સિગ્નલો માથાનો દુખાવો સાબિત થતાં હોય છે ત્યારે આ બાઇકર્સ વિશ્વના ૮ દેશોની સરહદો ઓળંગવા જે તે દેશોના નીતિ નિયમો અને સરહદ પાર કરવા માટેના આકરા કાનૂનની અડચણ ઉપરાંત રાજકીય વિટંબણાઓને ઉકેલીને આખરે મુંબઇ ટુ લંડન વાયા પાકિસ્તાન, ઇરાન, તુર્કી, ઇટલી, ગ્રીસ, ફ્રાંસ થઇને ઇંગ્લેન્ડ પહોંચવાનો પ્લાન તૈયાર કરી લીધો છે. વિશ્વશાંતિનો સંદેશ, યુવા જાગૃતિ અને સ્વામી વિવેકાનંદના જીવન સંદેશને પ્રસારિત કરવા માટે યોજાયેલી આ યાત્રાનું નામ ‘દા પઇ યાત્રા’ અપાયું છે. ‘દા પઇ’ ઇટાલિયન શબ્દ છે જેનો અર્થ શાંતિ થાય છે.
અમદાવાદના કોમર્સ ગ્રેજ્યુએટ યુવાન પાર્થ વસાવડાને આવેલો એક વિચાર આજે ‘દા પઇ’ યાત્રાના રૂપમાં વૈશ્વિક અભિયાન બની ગયો છે. આ યાત્રાનો પાયો ક્યાંથી નંખાયો? પાર્થ કહે છે કે, રોજ છાપાંઓ અને ટીવી પર સમાચાર જોઉં છું ત્યારે લાગે છે કે ભારત, પાકિસ્તાન, ઇરાન, ફ્રાંસ તથા ઇટલી જેવા દેશો સામાજિક, રાજકીય અને આર્થિક અસ્થિરતાનો સામનો કરી રહ્યા છે. સમાજ ઉકળી રહ્યો છે. લોક ત્રસ્ત છે. યુવાનો દિશાહીન છે. હું વિવેકાનંદ અને ગાંધીજીનો અનન્ય ચાહક છું. વિવેકાનંદ એટલે યૂથ અને ગાંધીજી એટલે શાંતિ. આ બન્નેના વિચારોને અને તેમના જીવન સંદેશને વિશ્વના યુવાનો સુધી પહોંચતો કરવો આ સમયમાં જરૂરી બન્યો છે. અશાંત બનેલા આ ૮ દેશોના યુવાનોને મળીને વિશ્વશાંતિ માટે કામ કરવા પ્રેરવા જોઇએ. પણ, લાખ રૂપિયાની વાતે એ હતી કે આટલા બધા દેશોમાં પહોંચવું કેમ? ત્યાં પહોંચીને કોને મળવું અને ખાસ તો જે તે દેશની સરકાર આ માટે રાજી થશે કે કેમ? આવા પ્રશ્નો મનમા ઉદ્ભવી રહ્યા હતા ત્યારે અગાઉ અમદાવાદમાં અભ્યાસ કરતો અને હાલમાં માયાનગરી મુંબઈમાં ફોટોગ્રાફીના વ્યવસાય સાથે સંકળાયેલ મારા મિત્ર નિતેશ જૈનને આ વાત કરી. તેને પણ મારો વિચાર ગમ્યો. અમે બન્ને સાથે અભ્યાસ કરતા હતા ત્યારે અમદાવાદમાં બાઇક લઇને ફર્યા કરતા હતા.
રોયલ એન્ફીલ્ડ એટલે કે બુલેટ અમારી મનગમતી બાઇક છે એટલે વાત વાતમાં જ નક્કી થયું કે બુલેટ લઈને લંડન પહોંચીએ તો કેવું? પહેલાં તો અમને પણ આ વિચાર પર હસવું આવ્યું પણ પછી થયું કે જો અમદાવાદથી મુંબઇ બાઇક પર જવાતું હોય તો લંડન કેમ ન પહોંચાય? એટલે આ વિચારનો અમલ કરવા પ્રક્રિયા શરૂ કરી દીધી. સૌ પ્રથમ તો અમે ‘ફેસબુક’ અને’ટ્વિટર’ જેવા સોશિયલ નેટવર્ક પર અમારા અભિયાનને મૂક્યું તે સાથે જ જબરદસ્ત પ્રતિસાદ મળવા લાગ્યો. માત્ર ભારતની જ નહી પાકિસ્તાનની સંખ્યાબંધ યુવા સંસ્થાઓએ અમારા આ અભિયાનને આવકાર્યું અને પાકિસ્તાનમાં યાત્રા પહોંચે ત્યારે તમામ પ્રકારના સહયોગની ખાતરી પણ આપી છે. બીજા દેશોમાંથી પણ ‘દા પઇ’ યાત્રાને આવકારવા થનગનાટ જોવા મળ્યો. આટલો સરસ પ્રતિસાદ જોતાં અમને લાગ્યું કે કામ સરળતાથી પાર પડી જશે પણ અમે જ્યારે મિનિસ્ટ્રી ઓફ એક્સ્ટર્નલ અફેર પાસે પહોંચ્યા ત્યારે ખરી મુશ્કેલીનો પ્રારંભ થયો. તેઓએ અમને એમ કહીને હતાશ કરી દીધા કે તમારા જેવા તો અહીં રોજ હજારો આવે છે. સરકાર કંઈ વ્યક્તિગત મદદ કરવા તૈયાર નથી અને ગ્લોબલ પીસની વાત કરનારા તમે કોણ? પણ, અમે હિમ્મત ન હારી અને બે મહિનાના સતત પ્રયત્નો બાદ અમને સફળતા મળી. મંત્રાલયે અમારી ‘દા પઇ’ યાત્રાને લીલી ઝંડી આપી દીધી. પછી અમારી યાત્રામાં આવતા દેશોમાં કયા શહેરમાં જવું અને કયા શહેરમાં ન જવું, કોને મળવું અને કોને ન મળવું. કયો રસ્તો પસંદ કરવો અને કયા રસ્તેથી ન જવું. જેવી બાબતોનો અભ્યાસ કરતા બે મહિના નીકળી ગયા.
અંતે બધું પતી ગયા બાદ અમારાં બે બુલેટ પર સાથી તરીકે બે લોકોને લઈ જવા ઓનલાઇન આમંત્રણ પોસ્ટ કર્યાં જેમાં ૨૫૦થી વધુ લોકોની અરજીઓ આવી જેમાંથી મુંબઈની આર્ટ ડિરેક્ટર તેહરીન શેખ અને કોલકાતાની મોડેલ-એક્ટ્રેસ ડેબી દત્તાની પસંદગી કરાઈ છે. ‘દા પઇ’ યાત્રા આંતરરાષ્ટ્રીય યુવા દિવસ, ૧૨મી ઓગસ્ટ, ૨૦૧૨ના રોજ મુંબઇથી પ્રારંભ થશે અને ભારત સહિત પાકિસ્તાન, ઇરાન, તુર્કી, ઇટલી, ગ્રીસ, ફ્રાંસને પાર કરીને ૬૫મા દિવસે ઇંગ્લેન્ડ પહોંચશે. ભારતમાંથી પ્રથમ વખત જ યોજાતી આ પ્રકારની શાંતિ સંદેશ સાથેની સાહસયાત્રાને યુનાઇટેડ નેશન વોલેન્ટિયર્સ સહિતની ૨૦થી વધુ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સંસ્થાઓએ સહયોગ જાહેર કર્યો છે.
મુંબઈથી યાત્રા શરૂ કરવાનું મુખ્ય કારણ એ છે કે ત્યાંથી વિશ્વનું ધ્યાન ખેંચી શકાય તેમ છે અને લંડન આ યાત્રા પૂરી કરવાનો હેતુ એ છે કે ભારત, પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ એમ ત્રણ દેશો જોડાય તેવી યાત્રા કરવાનો છે, કેમ કે ભારત અને પાકિસ્તાન સાથે લંડનનો ઐતિહાસિક સંબંધ છે. એટલે યાત્રાની પૂર્ણાહુતિનું સ્થળ લંડન રખાયું છે.
* વિશ્વશાંતિ, યુવા જાગૃતિ અને સ્વામી વિવેકાનંદના જીવનસંદેશને પ્રસારિત કરવા મુંબઇથી લંડન ૧૬,૦૦૦ કિમી.ની મોટરબાઇક યાત્રા.
* ઇટાલિયન શબ્દ દે પઇ (શાંતિ) પરથી આ યાત્રાનું નામ દે પઇ યાત્રા રખાયું છે.
‘દા પઇ’ યાત્રાની હાઈલાઈટ
* મુંબઈથી ૧૨મી ઓગસ્ટ, ૨૦૧૨ના રોજ વિશ્વ યુવાદિને પ્રારંભ થશે
* ભારતનાં ૧૦ શહેરો મળીને ૮ દેશોનાં ૫૫થી વધુ શહેરની મુલાકાત લેશે અને ૫૦,૦૦૦ કરતાં વધુ યુવાનોમાં વિશ્વશાંતિનો સંદેશો આપશે.
* ૮ દેશોનાં ૫૫ શહેરોની મુલાકાત દરમિયાન એવા ૬૦૦ સ્થાનિક રિયલ હીરોનું સન્માન કરશે જેમણે સમાજમાં પરિવર્તન માટે યોગદાન આપ્યું છે.
* બે રોયલ એન્ફિલ્ડ બુલેટ પર ૬૫ દિવસમાં ૧૩,૦૦૦ કિમી.નું અંતર કાપી લંડન પહોંચશે.
* અભિયાનને બીબીસી લંડન અને ન્યુયોર્ક ટાઇમ સહિતનાં ૨૦૦થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મીડિયા કવર કરશે
* ગ્લોબલ અભિયાનની પૂર્ણાહુતિ બાદ ટીમ ભારતનાં ૧૦૦ ગામડાંઓમાં ફરીને જાગૃતિ અભિયાન ચલાવશે
* અભિયાનની રજેરજ માહિતી કેમેરામાં કંડારવામાં આવશે અને તેના પરથી ડોક્યુમેન્ટરી ફિલ્મ તૈયાર થશે
* ૮ દેશોના ૬૦૦ અનસંગ હીરોની સ્ટોરી ટેલિંગ બુક તૈયાર કરાશે.
